નશાબંધી અને આબકારી ખાતું
http://www.prohibition-excise.gujarat.gov.in

કેસ માંડવાળ તથા અપીલ

5/21/2022 8:43:23 PM

કેસ માંડવાળ

  • ખાતા દ્વારા કાઢી આપવામાં આવેલ કોઇ પરવાના, પાસ, પરમિટ કે અધિકૃતિપત્રની કોઇ શરત કે ખાતાના કોઇ નિયમ, વિનિયમ કે હુકમની જોગવાઇઓનું આવા પરવાના વિગેરેના ધારકે કે તેના વતી કામ કરતી કોઇ વ્યકિતએ ઉલ્લંઘન કે ભંગ કરેલ હોય તે કિસ્સામાં, આવા પરવાના વિગેરેના ધારકની સામે કાયદેસર ફોજદારી કાર્યવાહી કરવાને કે તેનો પરવાનો વિગેરે રદ કરવા કે મોકૂફ રાખવાને બદલે, સંબંધિત પરવાના વિગેરેના ધારક કે તેની અધિકૃત વ્યકિતની લેખિત સંમતિને ધ્યાને લઇ તેમની કક્ષાએથી થયેલ આવી ક્ષતિ કે ગુનાને માંડવાળ કરવા પેટે ચોકકસ રકમ વસુલ લઇ, આવો ગુનો/ક્ષતિ સક્ષમ સત્તાધિકારી માંડવાળ કરી શકશે.

  • આવો ગુનો માંડવાળ કરવાની સત્તા અધીક્ષક, નશાબંધી અને આબકારી પાસે, નિયામક, નશાબંધી અને આબકારી ખાતું, ગુજરાત રાજય પાસે તથા સરકારશ્રી પાસે રહેલ છે.

  • કેસ માંડવાળ પેટે પરવાના, પરમિટ વિગેરેના ધારકે ભરપાઇ કરવાપાત્ર રકમ મુખ્ય સદર ૦૦૩૯ રાજય આબકારી ગૌણ સદર અને પેટા સદર ૧૫૦ (છ) દંડ અને જપ્તી (ર) પરચૂરણના સદરે ભરપાઇ કરવાની રહેશે.

1

ચલણનું ફોર્મ અચૂકપણે એક જ પાના ઉપર આગળ-પાછળ અને કુલ ચાર નકલોમાં પ્રિન્ટ કરી ઉપયોગમાં લેવા વિનંતી છે.

  • કેસ માંડવાળ બાબતની વિશેષ જોગવાઇઓ મુંબઇ નશાબંધી અધિનિયમ, ૧૯૪૯ની કલમ ૧૦૪માં દર્શાવેલ છે.

અપીલ

1

મુંબઇ નશાબંધી અધિનિયમ, ૧૯૪૯થી મળેલ સત્તાની રૂએ ફરજ બજાવતા કોઇપણ નશાબંધી અને આબકારી અધિકારીના હુકમથી નારાજ હોય તેવી કોઇ વ્યકિત આવા હુકમની સામે સંબંધિત જિલ્લા કલેકટરને અપીલ કરી શકશે. આ પ્રમાણે અપીલ દાખલ કરવાની સમયમર્યાદા સાઠ (૬૦) દિવસની રહેશે.

1

મુંબઇ નશાબંધી અધિનિયમ, ૧૯૪૯થી મળેલ સત્તાની રૂએ ફરજ બજાવતા કોઇપણ જિલ્લા કલેકટરના હુકમની સામે નિયામક, નશાબંધી અને આબકારી ખાતું, ગુજરાત રાજયને તથા આ પ્રમાણે કાર્યવાહી કરતા નિયામકના હુકમની સામે રાજય સરકારને અપીલ કરી શકાશે. આ પ્રમાણે અપીલ દાખલ કરવાની સમયમર્યાદા નેવું (૯૦) દિવસની રહેશે.

1

આવી કોઇ અપીલમાં નિયામક, નશાબંધી અને આબકારી ખાતું, ગુજરાત રાજયએ કરેલ હુકમની સામે કોઇ અપીલ થઇ શકશે નહીં.

_

ઔષધીય અને સૌંદર્યપ્રસાધન બનાવટો (આબકારી જકાત) અધિનિયમ, ૧૯૫૫ અને તે હેઠળ કરેલા નિયમો અન્વયે ફરજ બજાવતા કોઇ જિલ્‍લા અધિકારીના હુકમની સામે જિલ્‍લા કલેકટરશ્રીને અપીલ થઇ શકશે નહી. આવી અપીલ સીધી જ  નિયામક, નશાબંધી અને આબકારી ખાતું, ગુજરાત રાજય જ સમક્ષ કરવાની રહેશે.

_

નિયામકે આ અધિનિયમ હેઠળ લીધેલ કોઇ નિર્ણયથી નારાજ હોય તેવી વ્યકિત રાજય સરકાર સમક્ષ અપીલ કરી શકશે. સરકારશ્રી દ્વારા લેવાયેલ કોઇ નિર્ણયથી નારાજ હોય તેવી વ્યકિત કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય સમક્ષ અપીલ કરી શકે છે.

  • ભારતના રાજય બંધારણની જોગવાઇઓ મુજબ નામદાર ગુજરાત હાઇકોર્ટ તેમજ નામદાર ઉચ્ચતમ ન્યાયાલય (સુપ્રિમ કોર્ટ), નવી દિલ્હી સમક્ષ પણ અપીલનો તમામને હક્ક રહે છે.