પ્રવાસીઓ માટેની પરમિટ
મુંબઇ વિદેશી દારૂ નિયમો, ૧૯૫૩ ના નિયમ ૭૦ - ક હેઠળ ભારત બહારના કોઇ અન્ય દેશ કે જયાં દારૂનો સામાન્ય રીતે વપરાશ કરવામાં આવતો હોય તે દેશમાં જન્મેલ કે ઉછરેલ અથવા ત્યાંની નિવાસી હોય તેવી અને ભારત સિવાયના તેવા દેશનું નાગરિકત્વ ધરાવતી હોય તેવી વ્યકિતઓને તેવા દેશમાંથી ગુજરાત રાજયમાં આવે ત્યારે ભારતીય બનાવટનો વિદેશી દારૂ કબજામાં રાખવા, વાપરવા અને ઉપભોગ કરવા માટે નીચે જણાવેલ કાર્યપધ્ધતિ અનુસર્યેથી પ્રવાસીઓ માટેની પરમિટ મળી શકે છે.
નોંધ - અરજદારની ઉંમર ૨૧ (એકવીસ) વર્ષ પૂરા અથવા તેથી વધુ હોવી જોઇશે.
(ક) અરજદારે પોતાના અસલ પાસપોર્ટ સહિત જે - તે જિલ્લા કચેરી અથવા રાજ્યમાં આવેલ વિદેશી દારૂના માન્ય વેન્ડર્સ લાઇસન્સદારના ઇ/ચા અધિકારીનો કે આવા માન્ય વેન્ડર્સ લાઇસન્સદારના મેનેજરનો સંપર્ક કરવાનો રહેશે.
(ખ) જે-તે જિલ્લા કચેરી કે વિદેશી દારૂના માન્ય વેન્ડર્સ લાઇસન્સદારના ઇન્ચાર્જ અધિકારી અરજદારનો પાસપોર્ટ માન્ય હોવા તથા તેઓ ગુજરાત રાજયની મુલાકાત માટેનો માન્ય વિઝા ધરાવતા હોવા બાબતે ખરાઇ કરશે.
(ગ) જે બંને યોગ્ય જણાયેથી અરજદારને પ્રવાસીઓ માટેની પરમિટ કાઢી આપવામાં આવશે.
નીચે જણાવેલ શરત ખાસ જોવા વિનંતી.
(ઘ) આ પરમિટ મહત્તમ એક માસ સુધીના સમય માટે કાઢી આપી શકાય છે.
(ચ) હાલ આ પ્રકારની પરમિટ હેઠળ નીચે મુજબના જથ્થા માટે પરવાનગી આપી શકાય છે.
- મહત્તમ ૬ (છ) યુનિટ
(છ) હાલ આ પ્રકારની પરમિટ માટે કોઇપણ પ્રકારની ફી ભરવાની થતી નથી.
(જ) અરજદારને મંજૂર કરેલ વિદેશી દારૂનો જથ્થો રાજયમાંના વિદેશી દારૂના માન્ય વેન્ડર્સ લાઇસન્સદાર પાસેથી જ ખરીદવાનો રહેશે.
શરત - પરમિટની શરતોનો ભંગ થવાથી તે રદ કરવાને કે મોકૂફ રાખવાને પાત્ર છે. વળી, આવી રીતે શરતોનો ભંગ થવાથી મુંબઇ નશાબંધી અધિનિયમ, ૧૯૪૯ની કલમ ૬૫ હેઠળ પ્રથમ ગુના માટે છ માસની કેદ અને રૂ/.૫૦૦ ના દંડની સજા થઇ શકે છે. બીજા, ત્રીજા વિગેરે ગુનામાં ઉત્તરોત્તર વધુ સજાની જોગવાઇ છે.
1 આ પરમિટ અંગે વિશેષ માહિતી જિલ્લા કચેરીનો સંપર્ક કરવાથી મળી શકશે.
|