(૧)
|
વિદેશી દારૂની પરમિટ મેળવવા શી કાર્યવાહી કરવી પડે છે ?
આ બાબતે જુદા જુદા પ્રકારના અરજદારોને અલગ અલગ પ્રકારની હેતુલક્ષી પરમિટો મળી શકે તેવી જોગવાઇઓ છે.
|
(ર)
|
હું રાજય બહારથી વિદેશી દારૂ ખરીદીને રાજયમાં લાવી શકું કે કેમ ?
વિદેશી પર્યટક હોય તેવી કોઇપણ વ્યકિત ગુજરાત રાજયમાં તેમના આગમન સમયે પ્રવાસીઓ માટેની પરમિટ ઉપર મળવાપાત્ર જથ્થો, ચોક્ક્સ શરતોને અધીન કોઇપણ પ્રકારના પાસ કે આબકારી જકાત સિવાય રાજયમાં લાવી શકે છે.
ભારત સરકારના પર્યટન વિભાગના અધિકારી દ્વારા કાઢી આપવામાં આવેલ, વિદેશી પર્યટક માટેની લીકર પરમિટ ધરાવતી કોઇ વ્યકિત આવી પરમિટ હેઠળ ર (બે) યુનિટ જેટલો વિદેશી દારુનો જથ્થો રાજયમાં કોઇપણ પ્રકારની આબકારી જકાત ભરપાઇ કર્યા સિવાય લાવી શકે છે.
આંતરરાષ્ટ્રીય વિમાન સેવા મારફતે રાજયમાં આવતી વ્યકિતઓ આ ખાતાના સક્ષમ અધિકારી પાસેથી યોગ્ય પ્રકારની પરમિટ મેળવ્યા બાદ જ કોઇપણ પ્રકારનો વિદેશી દારૂનો જથ્થો વિમાન મથકેથી રાજયની હદની અંદર લાવી શકશે.
ખાતા દ્વારા કાઢી આપવામાં આવેલ કોઇપણ પ્રકારની પરમિટ હેઠળનો જથ્થો રાજય બહારથી ખરીદી શકાશે નહીં.
|
(૩)
|
બહારના રાજયના મુલાકાતીને ટૂંકા ગાળા માટે વિદેશી દારૂની કોઇ પરમિટ મળી શકે કે કેમ ?
રાજયની મુલાકાતે મહત્તમ સાત દિવસ માટે આવતા મુલાકાતીને મુલાકાતીઓ માટેની પરમિટ કાઢી આપવાની જોગવાઇ અમલમાં છે.
|
(૪) |
વિદેશી દારૂનો એક યુનિટ એટલે કેટલો જથ્થો ?
આમ વ્યકિત અને સંરક્ષણ દળના નિવૃત્ત સભ્યો માટે વિદેશી દારૂના એક યુનિટની વ્યાખ્યા અલગ-અલગ છે.
|
(પ)
|
વિદેશી દારૂના પરમિટધારક પોતાની પરમિટ હેઠળનો વિદેશી દારૂનો જથ્થો કઇ જગ્યાએથી ખરીદ કરી શકશે ? વિદેશી દારૂના પરમિટધારક પોતાની પરમિટ હેઠળનો વિદેશી દારૂનો જથ્થો, સંબંધિત પરમિટની શરતોને આધીન,માત્ર રાજયમાંના માન્ય વેન્ડર્સ લાઇસન્સદાર પાસેથી ખરીદ કરી શકે છે.
|
(૬)
|
વિદેશી દારૂના પરમિટદાર પોતાની પરમિટ હેઠળ ખરીદ કરેલ જથ્થાનો કઇ જગ્યા વપરાશ કરી શકશે ?
પરમિટધારક, સંબંધિત પરમિટમાં જણાવેલ સરનામે અથવા જાહેર જગા ન હોય તેવી કોઇ જગ્યાએ જ વિદેશી દારૂનો વપરાશ કરી શકશે.
જે જગ્યાએ જાહેર જનતાને સહેલાઇથી પ્રવેશ મળી શકે કે જાહેર જનતાની અવરજવર રહેતી હોય તેવી જગાએ પરમિટધારક પરમિટ હેઠળ ખરીદ કરેલ વિદેશી દારુનો વપરાશ કરી શકશે નહીં.
|
(૭)
|
વિદેશી દારૂ ઉપભોગ માટેની કોઇપણ પ્રકારની પરમિટ એક નામથી બીજા નામે થઇ શકે કે કેમ ?
વિદેશી દારૂના ઉપભોગ માટેની તમામ પ્રકારની પરમિટો જે તે વ્યકિતના અંગત વપરાશ સારુ કાઢી આપવામાં આવતી હોવાથી તે અન્ય કોઇના નામે તબદીલ થઇ શકે નહીં.
|
(૮)
|
વિદેશી દારૂની મુલાકાતીઓ માટેની તથા હંગામી વસવાટની પરમિટો ઓછા સમય માટે જરૂરી હોય તો ફીમાં છૂટછાટ મળે ?
આ બન્ને પ્રકારની પરમિટોની નિર્ધારીત સમયમયાર્દા માટે ઠરાવેલ ફી વસૂલ કરવાની નિયમોમાં જોગવાઇ છે. ફીના દરોમાં છૂટછાટની કોઇ જોગવાઇ નથી.
|
(૯)
|
ગ્રીન કાર્ડ હોલ્ડર અને તે પ્રકારના અન્ય વસવાટના દસ્તાવેજો ધરાવતા ભારતીય પાસપોર્ટ ધારકને કયા પ્રકારની વિદેશી દારૂની પરમિટ મળે ?
આવી વ્યકિત જો ગુજરાતમાં મહત્તમ ૭ દિવસ રોકાણ કરનાર હોય તો રાજયમાં આવી તુરત જ સંબંધિત કચેરીને અરજી કરે તો ૭ દિવસની મુદતની મુલાકાતીઓ માટેની પરમિટ મળી શકે. પરંતુ આવી વ્યકિતએ પોતે રાજ્યમાં મુલાકાત અર્થે આવેલ હોવાના પુરાવા અને રાજ્યમાં પોતાના કામચલાઉ વસવાટ અંગેના આધારો રજૂ કરવાના રહેશે.
|
(૧૦)
|
એક વખત કાઢી આપેલ વિદેશી દારૂની પરમિટ હેઠળ મળવાપાત્ર જથ્થા અને મુદતમાં સુધારો થઇ શકે?
કોઇપણ પ્રકારની પરમિટ હેઠળ, આવી પરમિટ કાઢી આપનાર સત્તાધિકારીએ તે કાઢી આપતા સમયે મંજૂર કરેલ જથ્થામાં કોઇ સુધારો-વધારો કરી શકાશે નહીં. પરંતુ આવા સત્તાધિકારીના હુકમથી નારાજ હોય તેવી કોઇ વ્યકિત સક્ષમ સત્તાધિકારી અપીલ કરી શકશે.
મુલાકાતીઓ માટેની પરમિટની મુદત મહત્તમ ત્રણ વખત નિયત ફી ભરપાઇ કર્યેથી વધી શકશે.
હંગામી વસવાટ માટેની પરમિટની મુદત જે તે નાણાકીય વર્ષના અંત સુધી નિયત ફી ભર્યેથી વધી શકશે. આવા અરજદારે પોતાનો વિઝા માન્ય હોવા અંગેના આધારો રજૂ કરવા પડશે.
|
(૧૧)
|
વિદેશી દારૂની પરમિટના ધારક અન્ય કોઇ વ્યકિતને આવી પરમિટ હેઠળનો વિદેશી દારૂનો જથ્થો આપી શકે ?
હંગામી વસવાટ માટેની પરમિટના ધારક, મુલાકાતીઓ માટેની પરમિટના ધારક અને પ્રવાસીઓ માટેની પરમિટના ધારક પોતાની પરમિટ હેઠળનો જથ્થો, આ પ્રકારની અન્ય કોઇ પરમિટના ધારકને આપી શકશે, પરંતુ સ્વાસ્થ્ય પરમિટધારકો તેમના માટેનો વિદેશી દારૂનો જથ્થો અન્ય કોઇને આપી શકશે નહીં.
|
(૧ર)
|
વિદેશી દારુની પરમિટ હેઠળ મંજૂરી થયેલ જથ્થો, પરમિટધારક વતી અન્ય કોઇ વ્યકિત ખરીદ કરી શકે કે કેમ ?
કોઇ સ્વાસ્થ્ય પરમિટધારકની પરમિટ હેઠળનો જથ્થો, તેમના વતી અન્ય કોઇ પુખ્ત વયની વ્યકિત, નિયત નમૂનામાં કાઢી આપવામાં આવેલ ઓથોરિટી હેઠળ ખરીદ કરી, પરમિટમાં જણાવેલ સ્થળ સુધી તેનું વહન કરી શકશે. આવી ઓથોરિટી માટે ઠરાવેલ ફી ભરપાઇ કરવાની રહેશે.
હંગામી વસવાટ માટેની પરમિટના ધારક વતી ખરીદી કરવા સારુ ઉપર મુજબની ઓથોરિટી અન્ય કોઇ હંગામી વસવાટની પરમિટના ધારકને જ મળી શકશે.
|
(૧૩)
|
સરકારી અધિકારી-ર્ક્મચારીને વિદેશી દારૂના અંગત ઉપયોગ માટેની પરમિટ મળી શકે કે કેમ ?
પોલીસ ખાતાના અને નશાબંધી અને આબકારી ખાતાના અધિકારી-ર્ક્મચારીને વિદેશી દારૂના વપરાશ માટેની કોઇપણ પ્રકારની પરમિટ મેળવવા ઉપર પ્રતિબંધ છે. રાજય સરકારના અન્ય તમામ ખાતાના અધિકારી-કર્મચારીને સ્વાસ્થ્ય પરમિટની અરજી ઉપર એરીયા મેડિકલ બોર્ડ તરફથી ભલામણ મળ્યેથી જે તે અધિકારી-કર્મચારીના સર્વિસ મેડિકલ બોર્ડ તરફથી આવા અધિકારી-કર્મચારીની સરકારી નોકરી કરવાની આગળના સમયની શારીરિક ક્ષમતા બાબતે અભિપ્રાય મેળવવામાં આવશે. રાજય સરકારના બોર્ડ-કોર્પોરેશન અથવા અન્ય સ્વાયત્ત સંસ્થાઓના કિસ્સાઓમાં સંબંધિત વિભાગના સચિવશ્રી તેમજ ભારત સરકારના બોર્ડ-કોર્પોરેશન તેમજ અન્ય સ્વાયત્ત સંસ્થાઓના સંદર્ભમાં આવા બોર્ડ-કોર્પોરેશનના એમ.ડી. તેમજ બેન્ક, એલ.આઇ.સી. જેવી સંસ્થાઓના સંદર્ભમાં રાજય કક્ષાના વિભાગીય વડાનું ના વાંધા પ્રમાણપત્ર પરમિટ માટે અરજી કરનાર અધિકારી-કર્મચારીએ, પરમિટ મેળવતા પહેલાં રજૂ કરવાનું રહેશે.
|
(૧૪)
|
સંરક્ષણ દળના નિવૃત્ત સભ્યોને કાઢી આપવામાં આવેલ સ્વાસ્થ્ય પરમિટો હેઠળનો જથ્થો કયાંથી ખરીદી શકાય ?
આ પ્રકારની સ્વાસ્થ્ય પરમિટો હેઠળના જથ્થાની ખરીદી, ખાતા દ્વારા કાઢી આપવામાં આવેલ માન્ય પરવાના ધરાવતી કેન્ટીનમાંથી કરી શકાય છે. વિકલ્પે આવા પરમિટધારક, પોતાની પરમિટ હેઠળ સંરક્ષણ દળોએ નિશ્ચિત કરેલ જથ્થો, સિવિલિયન વેન્ડર્સ લાઇસન્સદાર પાસેથી પણ ખરીદ કરી શકે છે. આ પ્રમાણેની ખરીદી કરવા માટે પરમિટ કાઢી આપનાર સત્તાધિકારી પાસેથી પરમિટ ઉપર તે મતલબનો શેરો, નિયત ફી ભરપાઇ કરી કરાવવાનો રહેશે.
|